બ્રિક્સ દેશો ઉપર 100 ટકા ટેરિફની ટ્રમ્પની ધમકી

અમેરિકન ડોલર સામે પોતાનું અલગ ચલણ અમલમાં મુકવાની બ્રિક્સ દેશોની હિલચાલ સામે વળતાં પગલાં તરીકે અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થતી આ દેશોની નિકાસ પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી.

તેમણે બ્રિક્સ દેશો પાસેથી ભવિષ્યમાં પણ અમેરિકન ડોલર વિરુદ્ધ કોઈ ચલણનો ઉપયોગ નહીં કરવાની ખાતરી પણ માગી છે. બ્રિક્સની રચના 2009માં થઇ હતી અને તેમાં ભારત, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સહિતના દેશોનો સમાવેશ થાય છે.

બ્રિક્સ દેશો વૈશ્વિક વ્યાપારમાં ડોલરનું વર્ચસ્વ ઘટાડવા માટે બ્રિક્સના નવા ચલણની સંભાવનાઓ ચકાસી રહ્યાના સમાચારો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, બ્રિક્સ દેશો અમેરિકન ડોલરની સામે કોઈ નવું ચલણ બજારમાં મુકશે તો આ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લદાશે. અમેરિકન ડોલરને નબળો પાડવાનું કોઈપણ કાવતરું સાંખી નહીં લેવાય.

બ્રિક્સમાં ઈરાન, યુએઈ, ઈજિપ્ત, ઈથોપિયા જેવા દેશો પણ જોડાયા છે. વધુમાં અઝરબૈજાન, તૂર્કીયે અને મલેશિયા જેવા દેશોએ તેમાં જોડાવા અરજી કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા અને ચીનના નેતૃત્વમાં બ્રિક્સ દેશો ડોલરનું મહત્વ ઘટાડવાના વિકલ્પો પર વિચારણા કરી રહ્યા છે, જેના ભાગરૂપે બ્રિક્સ ચલણ રજૂ કરવાની પણ વિચારણા થઇ રહી છે. જો કે, મુખ્યત્વે રશિયા અને ચીન સમર્થિત આ પહેલમાં હજુ સુધી ભારત જોડાયું નથી.

બ્રિક્સ દેશોનું કહેવું છે કે વૈશ્વિક સંગઠનો પર પશ્ચિમી દેશોનું પ્રભુત્વ છે. વિકાસશીલ દેશોને યોગ્ય પ્રભુત્વ મળવું જોઈએ. બ્રિક્સ દેશોનું સંયુક્ત અર્થતંત્ર ૨૮.૫ લાખ કરોડ ડોલર અથવા વૈશ્વિક અર્થતંત્રના ૨૮ ટકા જેટલું છે. ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં પણ બ્રિક્સ દેશોની ભાગીદારી ૪૪ ટકા છે, તેમ છતાં વૈશ્વિક વેપાર પર અમેરિકન ડોલરનું પ્રભુત્વ છે. ડોલરનું આ પ્રભુત્વ ખતમ કરવા નવી કરન્સી સિસ્ટમ વિકસાવવાની માગ ઊઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *